Tuesday, January 5, 2021

દીકરી તો પ્રેમધારા.....

 દીકરી તો પ્રેમધારા..... 

પચરંગી ઓઢેલી ઓઢણીમાં લાડકડી હળવું એ હરખાતી જાય.... 

ઘમ્મરિયો ઘાઘરો ને બોલ તારા મીઠડાં મુખડેથી મલકાતી જાય.. 

કે દીકરી મારી... 

કે દીકરી મારી આછેરું મલકાતી જાય..... 

કોયલનો કંઠ ભીનો 

   મોરલાનો ટહુકો ઝીણો 

આસોની અજવાળી 

   રાત્યુંનું તેજ ગણો 

વહેલી પરોઢમાં ઉગમણે દ્વાર મારે અજવાળા અજવાળા થાય...... 

કે દીકરી મારી... 

કે દીકરી મારી આછેરું મલકાતી જાય..... 

મીઠડાં એ બોલ તારા 

     લાગે છે સૌને પ્યારા 

ઝરણાની જેમ વહે 

      તારામાં પ્રેમધારા 

જીવતરના ઓરડામાં પગલાંની છાપ તારી શુકનમાં પથરાતી જાય... 

કે દીકરી મારી... 

કે દીકરી મારી આછેરું મલકાતી જાય..... 

હર્ષિદા દીપક




Wednesday, October 21, 2020

તમે કહું કે તું

તમે કહું કે તું.?

રોજ વિચારુ હું, 

એ જ મીઠી મુઝવણમાં મારો દિવસ ગુજારુ હું,

ઘડીક તમે બહું વહાલા લાગો, 

લાગો અનહદ પ્યારા,

ઘડિક તમે બહું મીઠ્ઠા લાગો  ઘડિક સાવ જ ખારા

ખબર નહિ આ હૈયુ મારુ તમને સમજે શું...

તમે કહું કે તું ?

તુ કહું તો બહું નાના લાગો તમે કહુ તો મોટા

સંબોધનના શબ્દોમાં છે બે જ શબ્દનો કોટા

ક્યાંક એ બન્ને કાંટા જેવા,ક્યાક એ બન્ને રૂ

તમે કહું કે તુ.?

સંબોધનમા શુ રાખ્યુ છે જ્યા હો સાચો પ્રેમ 

છતાં તમોને સારુ લાગે

કહેજો અમને એમ,

તમે કરો સંબોધન ગમતુ 

સહમત હું તો  છું

તમે કહો કે તું?

 -અંજનાસ્વામી અંજુમ આનંદ




Tuesday, October 13, 2020

હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો,

 હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો,

પાંપણની પોટલીમાં આંસુનાં તાંદુલ લઈ

ઉભો હું થઈને સુદામો,

હરિ મારી આંખ્યુંમાં..

દરિયાની ભરતીમાં મોજાનો લોડ

એમ ઉછળવું કાયામાં રગોનું;

પાંસળીની પાર પીડા એટલી સમાઈ છે

જેટલું દ્વારીકામાં સોનું,

જરા ધસમસતા શ્વાસોને થામો.

મારી આંખ્યુંમાં કરજો વિસામો.

કીકીઓનાં કુંજામાં સપનાની કાંકરીઓ

નાખે જળધાર એક સીંચી;

કે ધારને કિનારે હરિ હસતા દેખાય

પછી હળવી આંખ લઉં મીંચી.

હવે જળનો કિનારો છે સામો,

મારી આંખ્યુંમાં કરજો વિસામો.

રમેશ પારેખ




રીંગ ટોન

 કાનજીના મોબાઈલમાં જ્યારે અચાનક રીંગટોન રાધાનો વાગે,

જન્મો જનમની ઘેલી રાધાની પ્રીત કાનજીની આંખોમાં જાગે.

મોબાઈલના નેટવર્કમાં કેમે ના સંભળાતી રાધાના રાસની તાલી,
મોબાઈલ પકડીને થાકેલા હાથને રાધાનો હાથ લેવો ઝાલી;
આયખાની સાંજ પર ઊભેલો કાનજી, સપનાનો ટૉક ટાઈમ માંગે.

s.m.s. મોકલેલો વાયા ઓધાજી, એના replyમાં રાધાના આંસુ,
રાધાના આંસુનો s.m.s. વાંચીને, કાનજીની આંખે ચોમાસું ;
મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં,વાંસળી વાગે છે એક રાગે.

– અંકિત ત્રિવેદી


Sunday, September 20, 2020

ગોકુળથી સંદેશો આવ્યાનું જાણીને

 ગોકુળથી સંદેશો આવ્યાનું જાણીને મથુરાએ ખોંખારા ખાધા,

કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા.


ગુલ્લાબી કાગળને ખોલીને જોયું તો બીડયો'તો કેવળ સન્નાટો

પટરાણી બોલ્યા કે ગર્વીલી રાધાને લઇ ગઇ છે હુશિયારી આંટો

જાણતલ તેડાવો કાગળ ઉકેલો ભૈ આપણે તો ભાષાના વાંધા

કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા.


માથું ધૂણાવીને ઓધવ વિચારે કે હું યે છું મૂરખનો જામ,

કાનાને સોંપી દઉં એની અમાનત, શું રખડાવું ઠેરઠેર આમ !

મૂછોમાં મલક્યા કે કોરાકટ કાગળનો શું રે જવાબ દઇશ માધા?

કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા.


હૈયે અડાડીને , રોકીને શ્વાસ પછી કાનાએ કાગળને ખોલ્યો,

આ બાજુ આંખે ન પૂછ્યો સવાલ અને એ બાજુ કાગળ ન બોલ્યો

આંખો લૂછીને હરિ હળવેથી બોલ્યા કે મારે તો રડવાની બાધા

કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા.

—પારુલ ખખ્ખર 


Sunday, September 13, 2020

' તું યે ચૂપ ... હું યે ચૂપ ' .....


તું યે ચૂપ ... હું યે ચૂપ .....
           તું યે ચૂપ ... હું યે ચૂપ .....

હો ... હો ... હો ....
આ તો  મેઘલો વરસે સોહમ સોહમ
લીલી ધરતી કંઇ તરસે મોઘમ મોઘમ

   ગાલની લાલી રળતી હાલી
        આંખનું કાજળ  ઢળતું  હાલ્યું
   પાંપણ  નીચી  પડતી  ઝાલી
        હૈયામાં  કંઇ  હળવું   હાલ્યું
હો .... હો ... હો .....
વહેતો ધીમો સમીરો ગુમસુમ ગુમસુમ
નાદ હળવેથી સંભળાતો સુનમુન સુનમુન
          તું યે ચૂપ ... હું યે ચૂપ .....

    નજરું તારી બોલતી જાતિ
        મન  માલીપા  એક  કહાની
    વાયરો વીટી ઝાંઝરી  ગાતી
        આકાશેથી    વરસી   બાની
હો ... હો .... હો .....
તારા સૂરમાં થયું છે આજ ઘેલું તનમન
ભીંજે રાધા-ઘનશ્યામનું મીઠું ઉપવન
           તું યે ચૂપ ... હું યે ચૂપ .....

     ----- હર્ષિદા  દીપક

એવી મોટી મહેલાતુંને ટક્કર મારે

 બાર બાય બાર જેવી બાથરૂમો હોય અને પચ્ચી બાય ચોવીના ઓરડા

બાર બાય બાર જેવી બાથરૂમો હોય અને પચ્ચી બાય ચોવીના ઓરડા

એવી મોટી મહેલાતુંને ટક્કર મારે તે મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં

…………………………મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં

ખોરડાંને આડ નહીં ફરતે દીવાલ નહીં નજરુંની આડે નહીં જાળિયું

તકતીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં ચોપન દિશામાં એની બારિયું

બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠ છોકરાંએ ટાંગેલાં દોરડાં


………………………………મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં

ઘરમાં બેસું ને તોયે સૂરજની શાખ દઈ ચાંદરણાં તાળી લઈ જાય છે

કેમનું જિવાય કેવી રીતે મરાય એવી વાયરાઓ વાતો કહી જાય છે

એક વાર ફફડે છે હોઠ અને ગહેકે છે ભીંતે ચિતરેલ બધા મોરલા

……………………………મારાં ચાર પાંચ નળિયાનાં ખોરડાં

ધૃવ ભટ્ટ