Sunday, September 2, 2018


રેતીમાં ઘર બનાવતાં બાળકોના તૂટેલા ઘરોને પાછા બનાવી આપતો તું
વડીલોના જીવનનો વર્ષોનો ભાર હળવો કરી આપતો તું
હિમોગ્લોબીન અને હિંમત બંને તારા શરીરમાં
તું આત્મવિશ્વાસ નું સરનામું
મને સાહસનાં પાઠ મોંઢે કરાવનાર તું
એટલે જ મેં તને પુરા વિશ્વાસથી મારા લગ્નની કંકોતરી આપી
તું તો રેતીના ઘરની જેમ તૂટી પડયો
અચાનક હિમોગ્લોબીન અને હિંમત બંને હિમ થઇ ગયાં
તારો આત્મા મીણ જેવો થઇ ગયો , પીગળી ગયો
સાહસના શ્વાસ રુંધાઇ ગયાં
હું હજી વિમાસણમાં……. કે કાગળની એક કંકોતરીનો ભાર આટલો બધો?    

મુકેશ જોષી



ત્યારે 
તારી આંખો જોવામાં ને જોવામાં હું સામે લહેરાતા દરિયાને હાથ કરવાનું ય ભૂલી ગયેલો 
તે સ્મિત શું કરેલું કે આથમતા સૂરજ ને આવજો કહેવાનું જ રહી ગયેલું 
તે ખાલી દુપટ્ટો લહેરાવેલો ને સામે ખીલેલા ફૂલોની મેહેકને મળવાનું જ રહી ગયેલું 
પછી તારી  વાતોમાં , મારી રાહ જોતો ચંદ્ર ઉદાસ થઈને વાદળો પાછળ ચાલી ગયેલો 
પવને  મારા વાળ ઉડાડ્યા એની ખબર ન પડી, પણ 
તારી જુલ્ફો ઉડાડી તો મારા ચહેરા ઉપર લાભ ચોઘડિયું ઉઘડી આવેલું 

આજે
હું એકલો દરિયા કિનારે બેઠો છું 
અચાનક 
દરિયાએ મારી આંખો લુછી
સુરજે મને કોમલ કિરણોથી આવજો કહ્યું
ફૂલોએ પવનના પ્યાલામાં મહેકનો કટોરો ધર્યો
ચંદ્રએ  મને ચાંદની છાંટીને એક વાદળીની વાર્તા કહી 
કહે છે ત્યારથી મારા ચેહરા ઉપર શુભ ચોઘડિયું ઉઘડી આવ્યું છે 
મુકેશ જોષી



Monday, August 20, 2018

આંખોને સંબોધીને હ્રદયે કહ્યું : બહુ નસીબદાર છો તમે . ક્યારેક હિમાલય દર્શન કરો છો તો ક્યારેક ગંગા દર્શન 
અરે રસ્તામાં કોઈ સરસ ચહેરો જોવા મળે તો કેવું ટગરટગર જોયા કરો છો ક્યારેક એ ચહેરા માટે રાત રાત ભર 
જાગો છો એના માટે કોઈ સરસ કવિતા વાંચો છો . કેટલા બધા ચહેરા તમને ગુલાબ જેવા દેખાય છે . તમને થાક પણ નથી લાગતો ? આંખોએ હ્રદયને જવાબ આપતા કહ્યું . અમે નસીબદાર તો ખરા જ પણ સાચું કહીએ તો એક સરસ ચહેરા ની પાછળ 
એક સુંદર હ્રદય ની તલાશ કરીએ છીએ જેથી ઓ હ્રદય તારી કંપની તને મળી જાય . કદાચ સાચી લાગણી 
મળી જાય તો તું (હ્રદય) મંદિર બની જાય અને એમાં સ્વયમ પરમ ના પગલાનો અવાજ સંભળાય પછી અમારે બીજા ચહેરા
જોવાની જરૂર નહિ પડે પછી તો એ જ હ્રદયની લાગણી તે ગંગા અને એજ ચહેરાનું સ્મિત તે હિમાલય . 
આંખોના જવાબે હ્રદય ગદગદિત થઇ ગયું અને એટલું જ બોલ્યું : ગયા જન્મથી આ કામ તમે થાક્યા વગર કરો છો .. ખબર નહિ 
તમને સફળતા ક્યારે મળશે ? આંખોએ કહ્યું : હ્રદય , તું તો જાણે છે કે એક સાચો સ્નેહ પામવા થોડાક જન્મો ફરવા પડે 
તે ફરીશું . પણ પ્રેમી તો મીરાંને મળ્યો તેવો મળશે ત્યારે જ અમે અમારી જાતને મીંચી દઈશું 

મુકેશ જોશી

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી
કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી
હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી
જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી
ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી
કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી
- હેમંત

Friday, August 17, 2018

બોલે    બુલબુલ
આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ
ઝીણા ઝરે સૂર કોના આકુલ? બોલે બુલબુલ
ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,
આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલ
રજની વલોવી એણે શું શું રે પીધું?
અમરત પિવડાવવામાં રહેતું મશગૂલ! બોલે બુલબુલ
અરધું પરધું સુણાય તોય રચે શો મૃદુલ
પૃથિવી ને સ્વર્ગ વચે સૂર તણો પુલ! બોલે બુલબુલ’

Sunday, February 11, 2018

મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે
શ્યામ, વૃંદાવન રોજની અમાસ,
આજ હવે એ જ ધૂળ માથે ચડાવીએ
કે કાલ જ્યાં રમ્યાં’તાં રૂડો રાસ.
ચન્દનના વનમાં એક સાપ ગયો ડંખી
હવે સૌરભનું લેશ ન ઓસણ,
શ્યામની સંગાથે બધું સગપણ ગયું કે
હવે કોઇની રહી ન ઓળખાણ,
કોઇ જરા ફૂલને સુંઘાડી જુઓ, ક્યારનો ય
અટકી ગયો છે મારો શ્વાસ.
ગમતી ગલીઓમાં હવે સળ ના સૂઝે
ન વાગે રમતી સાહેલીઓનાં ઝાંઝર,
આજ હવે છૂટાં તરણાં ય નથી હાથવગાં
એકઠાં કરી જે બાંધ્યું ઘર,
ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો
બીજી કોઇ ન કરું આશ.
– હરીન્દ્ર દવે

Thursday, June 1, 2017

એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર
અંદર બહારના ભેદ ભૂલીને રંગનો ઊછળે પારાવાર
લીલા રંગના ઊડે ફુવારા
ગુલાબની એક આલમ
પાંદડીઓની વચ્ચે કેવાં
પતંગિયાં  મુલાયમ
કબીર  થઈને  કાળ  વણે છે  રંગરંગના  તારેતાર
એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર
સફેદ રંગ તો મીરાં જેવો
નીલ રંગ તો શ્યામ
સૂરદાસની આંખની પાછળ
રંગનું ગોકુળ ગામ
રંગરંગમાં  આંખ  જુએ  છે  હરિવરનો   અવતાર
એક બગીચો મારી અંદર એક બગીચો મારી બહાર

 પન્ના નાયક