Saturday, December 10, 2016

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી 
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી મૂંગું મરતું લાજી. 
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

એક ખૂણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું!
કોઈનું નહીં ફરિયાદી ને કોઈનું નહીં કાજી!
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

એનું નિજના રંગમાં રાતું,
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઈ તો સામે મહેક દે તાજી તાજી.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી. 

   -મકરંદ દવે        
                                                                     

Saturday, December 3, 2016

અમે   રાખમાંથીયે   બેઠા   થવાના,
જલાવો  તમે  તોયે  જીવી   જવાના. 
ભલે જળ    સીંચો  તમે તે છતાંયે,
અમે  ભીંત  ફાડીને  ઊગી  જવાના. 
ધખો  તમતમારે  ભલે  સૂર્ય  માફક,
સમંદર ભર્યો  છે,   ખૂટી  જવાના. 
ચલો  હાથ   સોંપો, ડરો  ન લગીરે,
તરી પણ  જવાના ને  તારી જવાના. 
અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે  પંખી  એકે     ચૂકી જવાના!
-હર્ષ બ્રહ્મભટ્ટ
માન તમારે હાથ ન સોંપ્યું    કેમ કરી અપમાનશો?
વજ્રસમું અણભેદ હૃદય  આ શર સૌ પાછા પામશો! 
ઘન  ગાજે   વાયુ   ફુંકાયે   વીજળી   કકડી  ત્રાટકે
બાર   મેઘ  વરસી   વરસીને   પર્વત   ચીરે  ઝાટકે
 
હિમાદ્રિ  અમલિન  સુહાસે   ઊભો  આભ અઢેલતો
આત્મા મુજ તમ અપમાનોને  હાસ્ય કરી અવહેલતો 
રેતી  કેરા  રણ ઉપર  ના  બાંધ્યાં  મહેલ સ્વમાનના
શ્રદ્ધાના અણડગ  ખડકો  પર  પાયા રોપ્યા  પ્રાણના 
માન તમારે હાથ ન સોંપ્યું    કેમ કરી અપમાનશો?
વજ્રસમું અણભેદ હૃદય આ  શર સૌ પાછા પામશો! 
-કૃષ્ણલાલ શ્રીધરાણી
ફૂલનો પવન લોચન મારે વાયો,
આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો.

કોઈ તરૂ ના, કોઈ ના ડાળી, કોઈ ના ડાખળી, પાન;
ફૂલનો ફુવાર એકલો ફૂટે જેમ કવિના ગાન:
ફૂલનો સૂરજ હૃદયે વાવ્યો, ફૂલનો વળી છાંયડો છાયો.

ફૂલની નદી, ફૂલનું તળાવ, ફૂલનું નાનું ગામ,
ફૂલનો દીવો, ફૂલહિંડોળો, ફૂલમાં ફોર્યા રામ;
કાળને સાગર જાત ડૂબી ત્યાં તરતાં ફૂલથી ફાવ્યો. 
ફૂલનો પવન લોચન મારે વાયો.
 -પ્રિયકાંત મણિયાર
અમને કોની રે સગાયું આજ સાંભરે
ઊંડે તળિયાં તૂટે  ને સમદર ઊમટે...
                    કોની રે સગાયું આજ સાંભરે 
કોઈ પાળ્યું  રે બંધાવો
ઘાટે   ઘોડા   દોડાવો.
આઘે લ્હેર્યુંને આંબી કોણ ઊઘડે
                    કોની રે સગાયું આજ સાંભરે 
આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા  ઊડે રે જૂની ધૂણીએ;
અમને દાદા દેખાય પેલી ડેલીએ
                    કોની રે સગાયું આજ સાંભરે 
માડી વાતું રે વાવે આ ઉજ્જ્ડ ઓટલે,
ખરતાં હાલરડાં ઝૂલે રે  અદ્ધર ટોડલે;
ઊંચે  મોભને  મારગ  કોણ  ઊતરે
                    કોની રે સગાયું આજ સાંભરે 
કોઈ  કૂવા  રે   ગોડાવો,
    કાંઠે     બાગો   રોપાવો,
        આછા ઓરડિયા લીંપાવો,
            ઝીણી  ખાજલીયું પડાવો; 
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ...
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.
-દલપત પઢિયાર
હું  પૂછું  કિરતાર તારે  ઘેર  કાં અંધેર છે?
સંતને શૂળી અને  દુરિજનને લીલા લ્હેર છે! 
મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે?
ફૂલડાં ડૂબી  જતાં  ને  પથ્થરો  તરી જાય છે! 
ટળવળે  તરસ્યાં, ત્યાં  જે વાદળી  વેરણ બને,
તે જ રણમાં  ધૂમ મૂસળધાર  વરસી જાય છે! 
ઘર  વિના  ઘૂમે   હજારો   ઠોકરાતા   ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો  જનસૂનાં રહી જાય છે! 
દેવડીએ   દંડ   પામે   ચોર   મૂઠી    જારના,
લાખ  ખાંડી  લૂંટનારા   મહેફિલે  મંડાય   છે! 
કામધેનુને   મળે   ના   એક   સુકું   તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે! 
છે  ગરીબોના  કૂબામાં તેલ  ટીપું    દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર  ઘીના દીવા  થાય છે! 
- કરસનદાસ માણેક
રાતી રાતી પારેવાંની આંખડી
ઝમકારા લાલ!
ચ-ટ-ક ચણોઠી રાતીચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો જી રાતો. 
લાલ રતન પૂરવમાં વેર્યાં
           સુરખી અદ્‌ભુત ઊંડી રે
આથમણી મનમોજી રંગત
            છલકે તાંબાકૂંડી રે
ઝમકારા લાલ! 
નયણાં નભને ઝીલે જોડાજોડ:
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો જી રાતો. 
અત્તરની ફોરમ મેંદીના
            અંતરમાં મતવાલી રે
લીલો રંગ લપાવી બેઠો
            લાજશરમની લાલી રે
ઝમકારા લાલ! 
મનડું મેંદી ઝીણો છોડ:
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો જી રાતો.

-વેણીભાઈ પુરોહિત