Sunday, September 11, 2016

 બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહિ 
કાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી એ પીંછાઓમાં થી મોર થયો કે નહિ ?
 
રૂમાલમાં ચાંદો સંતાડે, ગાંઠો વાળે, પાછી છોડે એવા   તારા મનને ક્યાંથી બાંધું 
તું ના માને એ સાંજે  હુ ફાટી ગયેલા અંધારાને પંપાળી ને દીવો લઈને સાંધુ 
મારા ગઝલો  વાંચી તારી રાજી થાતી રાતો વચ્ચે મુશાયરાનો દોર થયો કે નહિ ?
 
સ્મિત તણા પારેવા તું ઉડાવે એને આંખોના પિંજરમાં કોઈ કેદ કરી લે ચાહે 
એમ સીવે તું હોઠ કે જાણે શબ્દો બધા ઠોઠ અને તું કરે સાથીયા નામ લઇ મનમાંહે  
તને પૂછ્યા વિણ તારું હૈયું લઈને જે ભાગે એ છોને મનગમતો પણ ચોર થયો કે નહિ 
 
મુકેશ જોષી 
મને યાદ છે મારે તને એક સાંજ આપવાની છે. એ પણ યાદ છે કે મારે નીલા આકાશમાં
મોરપીંછ ના રંગ ભરવાના છે. ઘડિયાળના બે કાંટા વચ્ચે ગુલાબી રંગ ની ચાદર પાથરવાની છે
પીળા સુરજને સુર્યમુખીની કંકોત્રી આપવાની છે. દરિયાના પાણી ને રેતીની વાર્તા કહેવાની છે
મેં છેલા કેટલય દિવસોથી મોર ને તાકી રેહવાનું , ઘડિયાળને નિયમિત ચાવી આપવાનું ,
સૂર્યમુખીના ફૂલોમાં પાણી રેડવાનું અને  રેતીની   આત્મકથા વાંચવાનું શરુ કરી દીધું છે
તો ય ખુલાસો કરી દઉં કે મને હાથમાં સુગંધી મોગરાનું ફૂલ દોરતા નથી  આવડતું
બહુ બહુ તો  બે  હાથમાં વિશ્વાસ નું અત્તર લગાવી શકીશ
 નારંગી સાંજ તારા ચેહરા ઉપરથી  ઢોળાતી હશે ત્યારે
મોબાઈલ ને બદલે આંખોથી તસ્વીર પાડી શકીશ
અને હા તારા ગમતા ગીતની એકાદ પંક્તિ ચોક્કસ ગાઇશ
કદાચ ગરમ સાંજ સામે તને કુલ્ફી ખાતા ખાતા હિમાલયની વાતો કરી શકીશ
પણ આટલી અમથી વાત કરવા મળવાની શી જરૂર ? આ વાતો અમસ્તીય
ફોન પર થઇ શકે
ત્યારે  તે મને કહેલું કે મેચ જોવાની મજા ટીવી માં ને સ્ટેડીયમમાં
પણ આવે પણ આંખ સામે વિરાટ ની રમત જોવાની મજા આવે કે ટીવીમાં ?

મૂકેશ જોષી
પાંચીકા રમતીતી દોરડાઓ કુદ્તીતી ઝુલતીતી   આંબાની ડાળે
ગામને પાદરીએ જાન એક આવી ને મારું બચપણ ખોવાયું એ જ દાડે
મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને લખાતીતી દાદાને ચિઠ્ઠી
લખવાનું લખીતંગ બાકી હતું ને મારે અંગે ચોળાઈ ગઈ પીઠી
આંગણામાં ઓકળિયું પાડતા બે હાથ લાલ થાપાઓ ભીંત ઉપર પાડે
                                                   ને મારું બચપણ ખોવાયું એ જ દાડે
પાનેતર પહેરીને પંખી ઉદાસ છતાં મલકાતા મામા ને કાકી
બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનું બાને કહેવાનું હતું બાકી
પાણીડાં ભરતી એ ગામની નદી જી બાપુના ચશ્માં પલાળે
                                                  ને મારું બચપણ ખોવાયું એ જ દાડે
ઢોલ અને શરણાઈ શેરીમાં વાગીયા ને ગામ મને પરણાવી રાજી
લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી કુંપળ તોડાઈ એક તાજી
પાંચ પાંચ વર્ષોથી ગોરમાને પૂજ્ય ને ગોરમા જ નાવ ને ડુબાડે
                                               ને મારું બચપણ ખોવાયું એ જ દાડે
   મૂકેશ જોષી 

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.
આખું ય વન મહેકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.
હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
મનોજ ખંડેરિયા 


Tuesday, September 6, 2016

શબ્દ કેરી પ્યાલીમા, સુરની સુરા પીને,
લ્યો અમે તો આ ચાલ્યા
મસ્ત બેખયાલીમાં, લાગણી આલાપીને લ્યો અમે તો આ ચાલ્યા
જે ગમ્યુ તે ગાયું છે, જે પીધું તે પાયું છે,
મહેકતી હવાઓમાં કંઇક તો સમાયું છે
ચાંદની ને હળવેથી નામ એક આપી ને લ્યો અમે તો આ ચાલ્યા
જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યુંતું,
સાચવી ને રાખ્યુંતું, અશ્રુ એ જ સાર્યુંતું,
ડાયરીના પાનાની, એ સફરને કાપી ને લ્યો અમે તો આ ચાલ્યા
ફુલ ઉપર ઝાંકળનું, બે ઘડી ઝળકવાનું,
યાદ તોય રહી જાતું , બેઉને આ મળવાનું
અંતર ના અંતરને એમ સહેજ માપીને……લ્યો અમે તો આ ચાલ્યા

તુષાર શુકલ       

વાદલડી રોજ મારા આંગણિયે આવીને
છાંટાની રમઝટ બોલાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .
ટીપેટીપાંમાં હોય લથબથતું વ્હાલ,
મને બોલાવે ઝટઝટ તું હાલ,
શરમાતી જોઈ, મને ગભરાતી જોઈ કહે ,
ભીંજાતા શીખવું હું હાલ.
લૂચ્ચો વરસાદ,મને ટાણે-કટાણે
ભીંજવવાના બ્હાના બનાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .
આંખોની ટાઢક બહુ દુર જઈ બેઠી છે
પાછી હું કેમ એને લાવું ?
પાણીએ બાંધ્યુ છે પાણીથી વેર
તને વાત હવે કેમે સમજાવું ?
પળભરમાં ધોધમાર , પળમાં તું શાંત ,
અલ્યા વરસીને આવું તરસાવે ?
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે.

ચૈતાલી જોગી

સૂરજ તું સળગે છે શાને ? તું ય કદી ચાંદલિયા જેવો ઠંડો ઠંડો થાને !
ઉગમણે આભ તને જોઇ કોણ ઢોળે છે 
રોજ - રોજ રંગનો કટોરો ? 
ધોધમાર વરસે વરસાદ છતાં આમનામ 
તું કાં રહી જાય સાવ કોરો ?
સાંજ પડ્યે દેશ કયે ચાલ્યો તું જાતો ફરવાને ? 
સૂરજ તું સળગે છે શાને ?
વાદળીઓ જેમ તને થાય કદી એવું 
કે ચાલો દોટમદોટ્ટા કરીએ ! 
થાય વળી એવું કે લ્હેરાતા રહીએ 
લ્હેરે છે જેમ મોજાંઓ દરિયે !

તારકની ટોળી બોલાવે છે રમવા તો જાને ! 
સૂરજ તું સળગે છે શાને ?

....કિરીટ ગોસ્વામી